દસ વર્ષમાં ધનિક કરદાતામાં 5 ગણો ઉછાળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના 10 વર્ષ દરમિયાન વાર્ષિક રૂ.20 લાખથી ઓછી કમાણી કરતા મધ્યમવર્ગના લોકો પરના ટેક્સ બોજમાં ઘટાડો થયો છે, જ્યારે વાર્ષિક રૂ.50 લાખથી વધુની આવક ધરાવતા લોકોએ ચુકવેલા ટેક્સમાં મોટો વધારો થયો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આવકવેરા રિટર્ન (ITR) ફાઇલિંગ ડેટા મુજબ 2023-24માં રૂ.50 લાખથી વધુની વાર્ષિક આવક દર્શાવનાર વ્યક્તિઓની સંખ્યા વધી 9.39 લાખ થઈ ગઈ હતી, જે 2013-14ની 1.85 લાખથી પાંચ ગણી વધુ છે. આ ઉપરાંત રૂ.50 લાખથી વધુની કમાણી કરનારાઓની આવકવેરાની જવાબદારી 3.2 ગણી વધી 2024માં રૂ.9.62 લાખ કરોડ થઈ હતી, જે 2014માં રૂ.2.52 લાખ કરોડ હતી. 76 ટકા આવકવેરો વાર્ષિક રૂ.50 લાખથી વધુની કમાણી કરનારાઓ પાસેથી વસૂલવામાં આવે છે. જેના કારણે મધ્યમવર્ગ પર ટેક્સનો બોજ ઓછો થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે મોદી સરકારે કરચોરી અને કાળા નાણા વિરુદ્ધ આકરા કાયદાનો અમલ કર્યો હોવાથી વાર્ષિક રૂ.50 લાખથી વધુની આવક ધરાવતા લોકો દ્વારા આઇટીઆર ફાઇલિંગમાં વધારો થયો છે. 2014માં વાર્ષિક રૂ.2 લાખથી વધુની કમાણી કરતાં લોકોએ ટેક્સ ભરવો પડતો હતો. પરંતુ હવે મોદી સરકારે વિવિધ કરમાફી અને કરકપાતો આપી હોવાથી હાલમાં વાર્ષિક રૂ.7 લાખ સુધીની આવક પર ટેક્સ ભરવો પડતો નથી.

રૂ.10 લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાઓ પાસેથી આવકવેરાની વસૂલાતની ટકાવારી પણ ઘટી છે. આ પ્રમાણ 2014માં 10.17 ટકા હતું, જે  2024માં 6.22 ટકા થયું હતું. વાર્ષિક રૂ.2.5 લાખ અને રૂ.7 લાખ વચ્ચેની આવક ધરાવતા લોકોની આવકવેરા જવાબદારી 2023-24માં સરેરાશ રૂ.43,000 છે, જે તેમની કુલ આવકના આશરે 4થી 5 ટકા છે. આ પ્રમાણ પણ ઊભરતા અર્થતંત્રોમાં સૌથી નીચું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *